કિડની હોસ્પીટલમાં સફેદ એપ્રોનમાં ફરતો એ દેવદૂત હવે પોતાના મૂળ સ્થાને પાછો ફર્યો છે – એક યુગનો અસ્ત
લક્ષ્મી અને સરસ્વતીને આમ તો ભાગ્યેજ બને છે પણ અપવાદરૂપ આ બન્નેનું સાયુજ્ય સધાય તો એમાંથી જે નીપજે તે યુગ પ્રવર્તક બની રહે છે. કઇંક આવુ જ કિડની ઇન્સ્ટીટ્યુટના સ્થાપક ઋષિતુલ્ય જીવન જીવી જનાર લક્ષ્મીશંકર અને વિધ્યાબેનના તેજસ્વી સંતાન, જેમણે કિડની ટ્રાન્સપ્લાટેશન અને નેફ્રોલોજી અંગેના સંશોધન, પેંક્રિયાટીક ટ્રાન્સપ્લાંટેશન ઓફ સ્ટેમ સેલ જેવા અત્યંત જટીલ વિષયને એક તજજ્ઞ તરીકે વૈશ્વિક ફલક ઉપર મૂક્યો એ ડોક્ટર હરગોવિંદ ત્રિવેદીનું ૨જી ઓકટોબરે અવસાન થયું. ૩૧મી ઓગષ્ટ ૧૯૩૨ના રોજ સુરેન્દ્રનગર જિલ્લાના ચરાડવા ગામે જન્મેલ આ બ્રહ્મર્ષિ અમદાવાદની બી. જે. મેડિકલ કોલેજમાંથી ભણીને એમ.બી.બી.એસ અને ત્યાર બાદ અમેરીકામાં ઓહિયો સ્ટેટના ક્લેવલેન્ડની ક્લિનિકમાં નેફ્રોલોજીનો પોસ્ટ ગ્રેજ્યુએટ અભ્યાસ હાથ ધર્યો. ૧૯૭૦માં કેનેડાની ઓન્ટોરીયો સ્થિત મેકમાસ્ટર યુનિવસિટીમાં નેફ્રોલોજીના અધ્યાપક તરીકે પોતાની જ્વલંત કારકિર્દીની શરૂઆત કરી.
કેનેડામાં ત્રિવેદી સાહેબનો રુતબો કેવો હશે એનો અંદાજ એ વાત પરથી આવી શકે કે એક દિવસ રોલ્સ રોઇસ જેવી મોંઘીદાટ કારનો બિઝનેસ એક્ઝિક્યુટિવ એમની પાસે પહોંચ્યો. કંપનીના સંશોધન મુજબ કેનેડામાં ખૂબ ઊંચી આવક ધરાવતા ધનાઢ્યોમાં ડોક્ટર ત્રિવેદી સાહેબનું પણ નામ હતું. પેલો બિઝનેસ એક્ઝિક્યુટિવ એમને રોલ્સ રોઇસ કાર ખરીદવાનું કહેણ લઈને આવ્યો હતો.
ક્રિકેટમાંથી જ્યારે વહેલા નિવૃત્ત થયા ત્યારે કોઇ પત્રકારે સર ડોન બ્રેડમેનને કહ્યું કે હજુ તો તમે થોડા વધુ વરસ રમી શક્યા હોત. નિવૃત્ત થવાની આટલી ઉતાવળ શું હતી? ત્યારે સર ડોનાલ્ડ બ્રેડમેન એને જવાબ આપ્યો હતો, “વન શુડ લીવ વ્હેન પિપલ આસ્ક યુ વ્હાય રાધર ધેન વ્હેન”.
કોઇ પણ ક્ષેત્રમાંથી જ્યારે વિદાય લેવી હોય તો તમારી કારકિર્દીના મધ્યાહને આ નિર્ણય લો તો જ ઉત્તમ છે. ત્રિવેદી સાહેબને આ વાત થોડી જુદી રીતે લાગુ પડે. યુવાન ઉંમર હતી, કારકિર્દીનો સૂર્ય તેજસ્વીતાથી ઝળકી રહ્યો હતો, એ ક્યાંનો ક્યાંય પહોંચે એવી પૂરી શક્યતાઓ હતી, ઘણું કમાઈ શકાયું હોત, ઘણી મોજ-મજા કરી શકાઇ હોત અને ત્યાં રહ્યા હોત તો વૈશ્વિક નેફ્રોલોજીના નિષ્ણાતોના સમૂહમાં ધ્રુવતારક બનીને ચમકી શકાયું હોત પણ આ જણ જુદી માટીનો હતો. એને આ બધાનો મોહ જકડી રાખી શકે તેમ નહોતો. એને તો સ્વદેશ અને એમાંય પોતાના વતન ગુજરાતમાં પાછું ફરવું હતું. પોતાનું જ્ઞાન ‘બહુજન હિતાય બહુજન સુખાય’ દરિદ્રનારાયણની સેવામાં વાપરવું હતું અને એટલે આ નોખી માટીનો માનવી મેકમાસ્ટર યુનિવર્સિટી અને કેનેડાની તામઝામ ભરી સવલતોવાળી, ધનના ઢગલા કરી શકાય એવી કારકિર્દી છોડીને સ્વદેશ અને તેમાંય ગુજરાતનું સદનશીબ કહો કે ગુજરાતમાં પાછો આવ્યો. નેફ્રોલોજી ડિપાર્ટમેન્ટના હેડ તરીકે ૪૫ વર્ષની ઉંમરે ૧૯૭૭માં એમણે કોઈ એવા મુહૂર્તે પોતાની કામગીરીની શરૂઆત કરી કે જે ઇમારત બાંધવાની હતી તેના પાયાની ખૂંટી સીધી શેષનાગના માથા પર વાગી. ડોક્ટર હરગોવિંદ ત્રિવેદીને પણ ખ્યાલ નહીં હોય કે એક ટેબલ અને બે ચાર લાકડાની મડદાલ ખુરસીઓ સાથે જે કામ એમણે આરંભ્યું હતું તે એક યુગનો આરંભ હતો. એક એવો યુગ કે જે ગુજરાત માટે વૈશ્વિક ફલક પર કિડની ટ્રાન્સપ્લાન્ટેશન ક્ષેત્રે નવો જ કીર્તિમાન સ્થાપિત કરવાનો હતો. એક એવો યુગ જે ડોક્ટર ત્રિવેદી સાહેબના નામે ૪૦૦ જેટલાં કિડની ટ્રાન્સપ્લાન્ટેશન માટે કોઇપણ એક વ્યક્તિ દ્વારા થયેલ ટ્રાન્સપ્લાન્ટેશનનો રેકોર્ડ પ્રસ્થાપિત કરવાનો હતો. કોઈ એકજ સંસ્થામાં ૫૦૦૦ જેટલાં કિડની ટ્રાન્સપ્લાન્ટેશન થયાં હોય એવો કિડની ઇન્સ્ટિટ્યૂટ માટે પણ વર્લ્ડ રેકોર્ડ સ્થાપિત કરવાનો હતો.
પણ ડોક્ટર ત્રિવેદી તો આ બધાથી ઉપર હતા.
ઘણા ઉપર....
એમણે તો ‘કામયે દુ:ખતપ્તાનાં, પ્રાણિનામર્તિનાશનમ્’ સૂત્રને આત્મસાત કર્યું હતું. એ સતત ગરીબો માટે મથતા રહેતા. સમાજના નાતે પણ મારે એમનો પરિચય ઘણો લાંબો. સમાજે એમને સન્માન્યા ત્યારે મારા ભાષણમાં મેં કહ્યું હતું કે, ‘ત્રિવેદી સાહેબ બ્રાહ્મણ કુળમાં જન્મ્યા છે એ એ એક સુખદ અકસ્માત છે. બ્રાહ્મણને દ્વિજ કહેવામાં આવે છે. દ્વિજ એટલે બે વખત જન્મે તે. કહેવાયું છે ‘જન્મના જાયતે શુદ્ર: કર્માત દ્વિજમુચ્યતે’. જન્મથી તો દરેક માણસ શુદ્ર એટલે કે કાચો હોય છે. બ્રાહ્મણત્વ તો કર્મ અને સંસ્કારોથી પ્રાપ્ત થાય છે. કર્મને કારણે આચાર-વિચાર પાળવાને કારણે જરૂર પડે ત્યારે ચાણક્ય બની ચંદ્રગુપ્તને ચલાવવાની, કે પછી ઇન્દ્રનું ઇન્દ્રાસન બચાવવા માટે પોતાનાં હાડકા કાઢી આપવાની ક્ષમતા એનામાં છે. આમાં વર્ણવાદનો પ્રશ્ન નથી. બધા જ સરખા છે. ત્રિવેદી સાહેબ સાચા અર્થમાં બ્રહ્મર્ષિ હતા. એમને માટે ઘરબાર, કૌટુંબિક જીવન તેમની કિડની ઇન્સ્ટિટ્યૂટ હતી. એમનો આરાધ્યદેવ દર્દી હતો અને એમની આરાધના કિડની જેવા ભયંકર રોગમાંથી એને મુક્તિ અપાવવાની હતી.
કિડની ફેલ થવા માંડે એટલે ડાયાલિસીસનાં ચક્કરો ચાલુ થાય. અઠવાડિયામાં બે વખત ડાયાલિસિસ કરાવવું પડે. એક વખતના ૩૦૦૦ થી ૫૦૦૦ રૂપિયાનો ખરચ થાય. જેવી હોસ્પિટલ. આ સિલસિલો લાંબો ચાલે. મધ્યમ કે ઓછી આવકવાળો માણસ પોતે તો શરીરે બરબાદ થાય પણ પાછળ કુટુંબ દેવાદાર થઈ જાય. એ પોતાના જણને મરવા તો દે નહીં અને ડાયાલીસીસના ખર્ચાને પહોચી વળવા દેવાના ડુંગર હેઠળ દબાઈ જાય. આ રોગીઓને મેં રિબાતા જોયા છે, એમનાં કુટુંબીઓને લોહીના આંસુએ રડતાં જોયાં છે. આ દેવદૂતે એમને બે રીતે મુક્તિ અપાવી. પહેલા, કિડની હોસ્પિટલમાં એમના જ્ઞાનનો ઉપયોગ કરી ડાયાલિસિસ માટેની જથ્થાબંધ સવલતો ઊભી કરી. બીજું કિડની પ્રત્યારોપણ (ટ્રાન્સપ્લાન્ટેશન) અને આગળ જતાં લીવર ટ્રાન્સપ્લાન્ટેશન અને સ્ટેમ સેલ ટ્રીટમેન્ટની સવલત ગરીબો માટે સાવ નજીવા ખર્ચે ઉપલબ્ધ બનાવી.
મારે માથે આ ઋષિવર્યનું દેવું છે. સિદ્ધપુરમાં એક સાથે ૨૫ ડાયાલિસીસ મશીન નાખી અને એમના જ હાથ નીચે તૈયાર થયેલ એવા જ અભ્યાસુ અને સેવાભાવી ભાઈ પરમારને ત્યાં મૂકી આ ડાયાલિસિસ સેન્ટર થકી ઉત્તર ગુજરાત અને રાજસ્થાન સુધીના ગરીબ દર્દીઓને કોઈ પણ ખર્ચ વગર સિદ્ધપુર સિવિલ હોસ્પિટલમાં ડાયાલીસીસની સેવાઓ ઉપલબ્ધ કરાવી, જેને આજે એક દાયકા કરતાં વધુ સમય થયો છે. એમની સોબતે મને એક ગાંડપણ વળગાડયું. ગરીબ દર્દી, પછી તે હ્રદયરોગનો હોય, કિડનીનો હોય, કેન્સરનો હોય કે સિવિલ હોસ્પિટલમાં આકસ્મિક સારવાર જરૂરી બને, એના માટે જરાય શરમ વગર, જરાય નિરાશ થયા વગર, ભીખનો હાથ લંબાવવાનું.
નરસિંહ મહેતાની હૂંડીની માફક મોટા મોટા ડોક્ટર સાહેબોને માત્ર સરકારી નહીં ખાનગીમાં પણ જેમની એપોઇન્ટમેન્ટ લેતાં અઠવાડિયાં વીતી જાય એવા મોટા ડોક્ટરોને ભલામણ પત્ર લખવાના. આ રીતે રેતીમાં નાવ હંકારવાનું શીખ્યો ત્રિવેદી સાહેબ પાસેથી.
ત્રિવેદી સાહેબ તેમના જન્મદિવસને અનોખી રીતે ઉજવતા. મજાકમાં એ કહેતા પણ ખરા કે વરસમાં એક વખત હું આ દિવસે મારી જાતને હરાજીમાં મુકું છું. જે ફંડ આવે તે કિડની હોસ્પિટલને અર્પણ ! આ હરાજી ધીરે-ધીરે લોકપ્રિય પણ એટલી થઇ ગઈ કે એમના જન્મ દિવસે કરોડ ઉપરનું દાન તો સહજ રીતે મળવા લાગ્યું. બીજું, આ પ્રસંગે યોજાયેલ સમારંભમાં કિડની ટ્રાન્સપ્લાંટેશનની સફળ દર્દીઓની હાજરી રહેતી અને એમના વિશે કંઈક કહેવાતું. ત્રિવેદી સાહેબને કદાચ પેલી રોલ્સ રોઈસ અને મહેલ જેવો મહાલય જે ખુશી ન આપી શક્યાં હોત તે આ દર્દીઓની વાત આવે ત્યારે એમના ચહેરા પર ડોકાઈ જતી !
ઘર અને પોતાની અસ્કયામતો વેચી પૈસા આવ્યા તો કુટુંબીઓ સાથે સંતલસ કરી બધી જ રકમ કિડની હોસ્પિટલના ચરણે ધરી દીધી. આજે કિડની હોસ્પિટલમાં એક સરસ મજાનું ઓડિટોરિયમ – શારદાલક્ષ્મી ઓડિટોરિયમ - એમની માતા વિદ્યાબેન અને પિતા લક્ષ્મીશંકરભાઈની યાદને દીપાવતું શોભી રહ્યું છે. વળી કોઈ આરસનો વેપારી રીઝ્યો, તેણે ત્રિવેદી સાહેબને પૂછ્યું, ‘રાજસ્થાનથી તમારા માટે શું મોકલાવું?’ સાહેબે એની પાસેથી શું માંગ્યું,? ‘એક સરસ મજાની મા વીણાવાદિની સરસ્વતીની મૂર્તિ બનાવી દો.! શારદા લક્ષ્મી ઓડિટોરિયમમાં જઈએ તેના રસ્તામાં ત્રિવેદી સાહેબના તપને કારણે જાણે કે મા સરસ્વતી સદૈવ હાજર હોય એવો અનુભવ કરાવતી મૂર્તિ સોહી રહી છે.
ત્રિવેદી સાહેબ એ ત્રિવેદી સાહેબ હતા, સાવ નોખી માટીનો માનવી. એમના એક કરતાં વધુ જનમ દિવસની ઉજવણી અને વિશ્વ કિડની દિનની ઉજવણીમાં સામેલ થવાનું મને સદભાગ્ય પ્રાપ્ત થયું છે. મારો એમની સાથેનો નાતો લગભગ બે દાયકાનો. ઘણી બધી સાંજે છ વાગ્યા પછી ત્રિવેદી સાહેબ સાથે કાળી કોફી પીતાં પીતાં સ્ટેમસેલ રિસર્ચથી માંડીને દુનિયાભરમાં આ ક્ષેત્રે જે સંશોધનો થઈ રહ્યા છે તેની વાતો થતી. કેટલાક વિદેશી નિષ્ણાતોને આ સંદર્ભમાં મળવાનું પણ ત્રિવેદી સાહેબની ઓફિસમાં જ બન્યું. આમાંના એકે તો સાહેબનું અત્યંત જીવંત લાગે તેવું પોટ્રેટ દોર્યું છે. ત્રિવેદી સાહેબની ઓફિસમાં ચારેબાજુ જોઈએ તો એક ફોટો ગેલેરી દેખાય. આ ફોટો ગેલેરીમાં મોટા મોટા સંતો-મહંતોથી માંડી ગુજરાતના મુખ્યમંત્રીઓ, મંત્રીઓ, સનદી અધિકારીઓ અને અન્ય વીઆઈપીઓ સાથેના એક યા બીજા સમયે લેવાયેલા ફોટોગ્રાફસ કિડની ઇન્સ્ટિટ્યૂટના છેલ્લા ચાર દાયકાનો ઈતિહાસ સંગ્રહીને બેઠા છે.
નેફ્રોલોજી, કિડની ટ્રાન્સપ્લાન્ટેશન અને સ્ટેમસેલ સાયન્સના વિષયમાં જાપાન, અમેરિકા, યુરોપ અને કેનેડાના ઘણા બધા તજજ્ઞો સાથે ત્રિવેદી સાહેબને નામજોગ ભાઈબંધી. ઘણા બધા માન-અકરામ મળ્યા. સાહેબે એમને મળેલ પદ્મશ્રીને પણ ગરિમા આપી.
આપણે માણસની કદર કરવામાં ઉણા ઉતર્યા છીએ. સાચાં મોતી એક બાજુ રહી જાય અને ફટકીયાંને સજાવી ધજાવી ને આરતી ઉતારીએ. આ આપણું કમનશીબ છે. ડૉ. ત્રિવેદી જો વિદેશમાં રહ્યા હોત તો કદાચ નોબેલ પારિતોષિક પણ મળ્યું હોત પણ એમણે ધૂણી ધખાવી ભારતમાં. ચામડીનો રંગ પણ ધોળો નહીં અને કાંઈક અંશે સરકારની ઉદાસીનતા, બધું ભેગું કરીને ત્રિવેદી સાહેબને જે મળવું જોઈતું હતું તે નોબેલ પારિતોષિકથી વંચિત રાખ્યા. આપણે ત્યાંનું સર્વોચ્ચ સન્માન ‘ભારત રત્ન’ માટે સંપૂર્ણલાયક આ જણને માત્ર ‘પદ્મશ્રી’થી સંતોષ માનવો પડે એને સમયની બલિહારી ના કહું તો શું કહેવાય? ડોક્ટર હરગોવિંદ ત્રિવેદી એક ઉત્તમ માણસ અને ડોક્ટર હતા પણ ઉત્તમ સેલ્સમેન ન બની શક્યા, નહીં તો કેટલાય માન-અકરામ માટે એ લાયક હતા.
૨૦૦૭ થી ૨૦૧૨નો ગાળો ગુજરાતની તબીબી સેવાઓ અને તબીબી શિક્ષણનો સુવર્ણકાળ હતો. ગુજરાતમાં આજે જે લગભગ તૈયાર થવા આવ્યું છે તે યુ. એન. મહેતા ઇન્સ્ટિટયુટનું વિસ્તરણ, સિવિલ હોસ્પિટલમાં મેડિસિટી અને અદ્યતન ટ્રોમા સેન્ટર, ડેન્ટલ હોસ્પિટલનું નવીનીકરણ, ગુજરાત કેન્સર સોસાયટીની મેડિકલ કોલેજ અને વિસ્તરણની સાથોસાથ કિડની ઇન્સ્ટિટ્યૂટ માટે નવી જગ્યા અને એના વિસ્તરણનો નિર્ણય લેવાયો. સાહેબ ડોક્ટર હતા, ગરીબ દર્દીને જોઈને તેમનું દિલ દ્રવી ઊઠતું હતું અને નફો થાય કે નુકસાન એની તમા રાખ્યા વગર આ ગરીબને એ સારવાર આપતા. બીજા રાજ્યોમાંથી પણ અનેક દર્દીઓ આવતા. પરિણામ સ્વરૂપ કિડની ઇન્સ્ટિટ્યૂટ ઉપર ૫૦ કરોડ જેવું જંગી દેવું ચઢી ગયું હતું. એક ઝાટકે આ માટે બજેટમાં નાણાંકીય જોગવાઈ કરી અને આ દેવું ખતમ કરી દેવાયું. સાહેબના ચહેરા ઉપર એ દિવસે અવર્ણનીય આનંદ હતો. સરકારમાંથી તો એક નાનું કામ થયું હતું, ઋષિએ જે મહાયજ્ઞ માંડ્યો હતો તેમાં આહુતી આપવાનું. ૨૦૦૭થી ૨૦૧૨ના આ પાંચ વર્ષના ગાળામાં સિવિલ હોસ્પિટલ કેમ્પસની દરેક સંસ્થાએ નવું કલેવર ધર્યું. ગુજરાતમાં એક ડઝન કરતા વધુ મેડિકલ કોલેજ સ્થપાઈ અને પોસ્ટ ગ્રેજ્યુએટ તેમજ સુપર સ્પેશીયાલીટી તબીબી શિક્ષણના ક્ષેત્રે અનેક નવા પગલાં લેવાયાં. સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં આવેલી આ બધી જ સંસ્થાઓ આજે દેશની સર્વશ્રેષ્ઠ સંસ્થાઓ બની છે. એની સાથોસાથ કિડની ઇન્સ્ટિટ્યૂટે પણ પોતાનું ગજુ કાઢ્યું છે એનો આનંદ છે.
આપણા ગરવા ગુજરાતી ડોક્ટર ત્રિવેદી સાહેબે આટલી બધી ક્ષમતા, આટલું મોટું નામ, આટલો મોટો ચાહક વર્ગ, છતાંય આ ઓલીયા માણસે આ બધું જળકમળવત સ્વીકારી લીધુ. ક્યારેક એમના ક્ષેત્રના તો ક્યારેક સરકારી બાબુઓ એમને મૂંઝવણમાં પણ મૂકે તેવું બન્યું હશે પણ આ બધી જ કડવાશ ત્રિવેદી સાહેબ પેલી કાળી કોફીમાં નાખીને ગટગટાવી જતા. દરદી માટે એ ઋષિ સ્વરૂપ હતા. સૌને સુખી થવાનું વરદાન આપનાર એક ઓલીયો, એમના જ નેતૃત્વમાં પ્રાંજલ મોદી જેવા નિષ્ણાતોએ વિદેશ જઈને લીવર પ્રત્યારોપણની સર્જરીમાં અદભૂત ક્ષમતા પ્રાપ્ત કરી જેને કારણે આજે કિડની ઇન્સ્ટીટ્યુટ પણ લીવર પ્રત્યારોપણ માટે દેશનું “સેન્ટર ઓફ એક્સેલન્સ” બની છે.
સત્તાઓ બદલાઇ, સત્તાધીશો બદલાયા, સંતો દિવ્ય સ્વરૂપને પામ્યા, સમયનો ક્રમ ચાલતો રહ્યો. અગાઉ ૧૯૮૩માં ઈન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડીસીઝ એન્ડ રીસર્ચ સેન્ટર (IKDR) સંસ્થા વટવૃક્ષ બનીને ૨૦૦૪માં ડો. એચ. એલ. ત્રિવેદી ઇન્સ્ટિટ્યુટ ઓફ સાયન્સ બની. ત્યારબાદ આગળ એનું ગુજરાત યુનિવર્સિટી ટ્રાન્સપ્લાંટેશન ઑફ સાયન્સીસ તરીકે સ્વરૂપ બદલાયું. જેમ લીવર ટ્રાન્સપ્લાન્ટ માટે પ્રાંજલ મોદીએ કામગીરી સંભાળી લીધી, બરાબર એ જ રીતે સ્ટેમ સેલ રિસર્ચની એમની કામગીરીમાં ડોક્ટર અરુણાબેન વણીકર પડછાયાની જેમ સાથે રહ્યાં. એવું જ પ્રદાન વીણાબેનનું વહીવટમાં રહ્યું. ભાઈ માધવ રામાનુજ પણ આ સેવાકાર્યમાં જોડાયા. ત્રિવેદીસાહેબ સાચા અર્થમાં ઋષિ હતા. દર્દીથી માંડી ડોક્ટર સુધી સહુ કોઈ માટે તેમની પાસે એકજ જડીબુટ્ટી હતી “વાત્સલ્ય અને પ્રેમ”. ડોક્ટર ત્રિવેદી સાહેબને જ્યારે જ્યારે મળવા ગયો ત્યારે થોડો ઘણો પણ થાક લાગ્યો હોય તો એમની સાથે સમય ગાળી, કડવી કોફીની સંજીવનીથી કહો કે ત્રિવેદી સાહેબના વાત્સલ્ય અને પ્રેમથી કહો, નવીન સ્ફૂર્તિ સાથે બહાર નીકળ્યો છું.
વિશ્વ કિડની દિવસે મહાત્મા ગાંધીના બાવલા પાસેથી અમારી દડમજલ શરૂ થતી. ત્રિવેદી સાહેબના નેતૃત્વ હેઠળની આ રેલીના દિવસો હજુ પણ એવા ને એવા યાદ છે. કોઈપણ ગરીબ દર્દી માટે ત્રિવેદી સાહેબ પાસે નાખેલી ટહેલ છેલ્લા બે દાયકાં કરતાં વધુ સમયમાં ક્યારેય પાછી પડતી નહોતી. આજે પણ એમના સાથીઓને કોઈક ગરીબ દર્દી માટે મદદનો હાથ લંબાવવા ફોન કરું છું તો નિરાશ નથી થવાતું. સેવા એજ પરમધર્મ છે એવો ત્રિવેદી સાહેબનો જીવન મંત્ર એમની આખી ટીમે આત્મસાત કર્યાં છે.
સિંગલ માઇન્ડેડ કમિટમેન્ટ, લક્ષ્ય સિદ્ધિ માટેની આ સાધનામાં અર્જુનને માત્ર પક્ષીની આંખ જ દેખાય. દાયકાઓ સુધી ત્રિવેદી સાહેબે સમાજને જે કંઈ આપ્યું, દર્દીઓને જે કાંઈ આપ્યું, આજે વટવૃક્ષ સમી એક સંસ્થા આપણા માટે મૂકીને એ વિદાય થયા છે ત્યારે જેમણે પોતાના બધાં જ સપનાં, બધા જ અરમાનો એકમાત્ર પોતાના પતિના શમણા એવા સેવાકાર્યને સમર્પિત કર્યાં એવા તેમનાં સહધર્મચારિણી સ્વનામ ધન્ય આદરણીયા સુનિતાબેન સાચા અર્થમાં એક સફળ પુરુષની પાછળ હંમેશા એક સ્ત્રી હોય છે એ સુત્રને સાર્થક કરી છેવટ સુધી એક આદર્શ પત્ની, ગૃહિણી અને તેથીય આગળ જઈને કહ્યું તો નારી સ્વરૂપા ભગવતી જગદંબાની ભૂમિકામાં ત્રિવેદી સાહેબના ધ્યેયમાં જ પોતાનું ધ્યેય સમર્પિત કરીને અંત સુધી એમના પડખે રહ્યાં આ ખૂબ કપરું કામ એમણે હસતાં હસતાં કરી બતાવ્યું. સુનિતાબેન અને ત્રિવેદી સાહેબની જોડી સાચા અર્થમાં સારસ બેલડી સમી આદર્શ દંપતીનું ઉદાહરણ હતું. ડોક્ટર હરગોવિંદ ત્રિવેદી, ત્રિવેદી સાહેબ બન્યા એમાં સુનિતાબેનનો ફાળો ખૂબ મોટો છે. કહેવાયું છે - “उत्सवे व्यसने चैव दुर्भिक्षे राष्ट्रविप्लवे. राजद्वारे श्मशाने च यस्तिष्ठति स बान्धवः॥“ પોતાના વહાલસોયા પતિને દુધેશ્વર સ્મશાન ગૃહની ચંદન ચિતામાં મુખાગ્નિ પણ સુનિતાબેને જ આપ્યો. ત્રિવેદીસાહેબના નશ્વર દેહને આગની લપેટો ઘેરી વળી ત્યારે સાર્વત્રિક સ્તબ્ધતા હતી. માત્ર સૃષ્ટિ જ નહિ પણ સમષ્ટિ જાણે ડૂસકું લઈ રહી હતી.
જે જન્મે છે તેણે જવાનું છે, સવાલ ફક્ત સમયનો છે. બરાબર પૂજ્ય બાપુના જન્મદિવસે આ ફરિશ્તાએ વિદાય લીધી. કદાચ સ્વર્ગમાં પણ દેવી-દેવતાઓ તેમના સ્વાગત માટે થનગની રહ્યાં હશે એટલે ચોથા નોરતે મા કૂષ્માંડાને સમર્પિત દિવસે એમણે નશ્વર દેહનો ત્યાગ કર્યો. ત્રિવેદી સાહેબ સ્વર્ગવાસી થયા એવું હું ક્યારેય નહીં કહું. જ્યાં સુધી કિડની ઇન્સ્ટિટ્યૂટના ડૉક્ટર મિત્રોમાં ત્રિવેદી સાહેબે પ્રત્યાર્પણ કરેલ સેવાની ભાવના, ગરીબો માટેનો પ્રેમ, કરૂણા અને સતત કંઈક નવું શીખવાની તૈયારી ધબકતી રહેશે ત્યાં સુધી આ એક એક દેવદૂતમાં ડૉક્ટર ત્રિવેદી સાહેબનું હૃદય ધબકતું રહેશે અને એટલે જ હવે ડાયરેક્ટર તરીકે જેમણે જવાબદારી સંભાળી છે એ ડૉ. વિનીત મિશ્રાનું કામ એક રીતે કહીએ તો બહુ જ સરળ છે, પ્રસ્થાપિત પ્રણાલીઓ છે અને સમર્પિત ટીમવર્ક છે પણ બીજી બાજુ ત્રિવેદી સાહેબની પરંપરાઓને જાળવી રાખી આગળ વધવાનું છે. વિક્રમદિત્યના સિંહાસન પર ડો. વિનીત મિશ્રાની તાજપોશી થઈ છે એ આ વાત ધ્યાનમાં રાખીને દરિદ્રનારાયણને સમર્પિત થઈ કામ કરશે તો ઈશ્વરના આશીર્વાદ સદાય એમના ઉપર ઉતરતા રહેશે. બાકી તો-
“इज़्ज़तें… शोहरतें… चाहतें… उल्फतें…
कोई भी चीज़ दुनिया में रहती नहीं...
आज मैं हूँ जहां, कल कोई और था...
ये भी एक दौर है…
वो भी एक दौर था”
આ રંગમંચ પર કોઈક અદ્રશ્ય આંગળીઓ આપણને કઠપૂતળીની માફક નચાવી રહી છે. કશું જ શાશ્વત નથી. માણસ જન્મે ત્યારે તેને પ્રથમ સ્નાન પણ કોઈક કરાવે છે, એના માટે બાળોતિયું પણ કોઈક ખરીદી લાવે છે, અને જ્યારે વિદાય થાય છે ત્યારે અંતિમ સ્નાન પણ કોઈક કરાવે છે અને એનું કફન પણ કોઈક ખરીદી લાવે છે.
હા, કફન અને બળોતીયામાં કેટલાંક સામ્ય છે. પહેલું, જે વ્યક્તિ માટે તે વપરાય છે એણે ક્યારેય તેની કિંમત ચૂકવવાની હોતી નથી. બીજુ, બાળોતિયું કે કફન બન્નેમાંથી એકેયને ગજવું નથી હોતું. બધુ અહીં હતું અહીં જ રહે છે, સાથે આવે છે એકમાત્ર સેવાની સુવાસ. એટલે જ કહ્યું છે -
“નામ રહંતા ઠક્કરાં, નાણાં નહીં રહંત,
કિરત કેરાં કોટડાં, પડ્યાં નહી પડંત”.
ડૉ. ત્રિવેદીસાહેબ ભલે સદેહે આપણી વચ્ચે નહીં હોય પણ એમનું નામ હંમેશાં પ્રાતઃસ્મરણનીય બની આપણા સ્મરણોમાં ઉભરતું રહેશે. સાચા અર્થમાં ડૉ. હરગોવિંદ લક્ષ્મીશંકર ત્રિવેદી બીજી ઓક્ટોબર ૨૦૧૯ અને આસો સુદ ચોથના રોજ હૃદયસ્થ કે સ્મરણસ્થ થયા છે.
સ્વર્ગસ્થ ? ક્યારેય નહીં.
આ દિવ્ય આત્માને મારી શ્રદ્ધાંજલિ સહ શ્રદ્ધાવંદના