એક વાક્ય પ્રચલિત છે – ‘મત્સ્ય બલાબલનો ન્યાય’.
આનો સરળ અર્થ થાય, મોટું માછલું નાના માછલાને ગળી જાય. સમુદ્રમાં રહેતા શક્તિશાળી મત્સ્ય નદીના મુખેથી આવતા નાના માછલાને ખાઈ જાય છે. મનુસ્મૃતિ અનુસાર અરાજકસ્થિતિમાં મત્સ્ય ન્યાય સર્જાય છે. આપણી આજુબાજુ પણ આવું ઘણું બધું બન્યા કરતું હોય છે. મજૂર સાથે કે શાકભાજી વેચતા ફેરિયા સાથે આપણે બે-પાંચ રૂપિયા માટે રકઝક કરીએ. પણ... મોટા સ્ટોરમાં તો ભાવનું જે લેબલ લાગ્યું હોય તે પ્રમાણે જ બિલ આવે.
ડોક્ટરને ત્યાં જઈએ તો ફીમાં વાટાઘાટને કોઈ અવકાશ નહીં.
મોટા વકીલને ત્યાં જવું હોય તો અમુક રકમ જમા કરાવો ત્યારે જ કેસ હાથમાં લેવાય.
જેમ માણસ મોટો તેમ પોતાના ભાવ પોતે નક્કી કરવાની એની ક્ષમતા વધારે.
એમાં કોઈ બાંધછોડ ન ચાલે.
ક્યારેક તો પેલો નાનો માણસ જાણે એના માટે વેઠ કરવા જનમ્યો હોય તે રીતે એને નિચોવી નખાય. અને પેલો કાંઇ બોલી પણ ન શકે.
આ મોટું માછલું નાના માછલાંને ગળી જાય એ વાત હળવાશથી રજૂ કરતો એક પ્રસંગ હમણાં જ સાંભળવા મળ્યો. આખીય વાત એક નાના ટુચકારૂપે કહેવાઈ છે પણ એના એકેએક શબ્દમાંથી ભારોભાર બોધ નીતરે છે. પ્રસંગ કંઈક આ પ્રમાણે છે.
તાલુકામથક જેવું એક ગામ હતું. આજુબાજુના ગામોમાંથી લોકો ખરીદી માટે અહીંયાં આવે.
વેપારધંધા માટે પ્રમાણમાં સારું મથક.
આ ગામમાં પ્રમાણમાં સમૃદ્ધ કહી શકાય એવા એક શેઠ પોતાની હવેલી બંધાવે.
વિશાળ હવેલીનું બાંધકામ લગભગ પૂરું થવા આવ્યું.
આ ગામમાં એક સુથાર કુટુંબ રહે.
સુથારી કામનો અને ખાસ કરીને ફર્નિચર બનાવવાનો સારો એવો હુનર તેમની પાસે.
આ સુથાર શેઠને મળવા ગયો.
એણે કહ્યું, તમારી હવેલીમાં ફર્નિચર અને લાકડાને લગતું કોઈ પણ કામ હોય, મારી પાસે બેનમૂન કારીગરી છે.
મારી કારીગરીથી તમારી હવેલીની શોભામાં ચાર ચાંદ લાગી જશે.
પેલા શેઠે કહ્યું, હું જાણું છું તારા વિષે. તું કામકાજ શરૂ કરી દે.
સુથારે કહ્યું કે શેઠ એ પહેલાં આપણે ભાવતાલ તો નક્કી કરી લઈએ.
જવાબમાં શેઠે કહ્યું, ભલા માણસ, મારામાં વિશ્વાસ નથી?
તું પૂરી ધગશથી કામે લાગી જા. હું તને ખુશ કરી દઇશ.
બીજા જ દિવસથી પેલો સુથાર પોતાના કારીગરો સાથે કામે લાગી ગયો.
ધમધોકાર કામ શરૂ કરી દીધું.
જેમ જેમ દિવસો વિતતા ગયા તેમ તેમ સુથારીકામની આ કારીગરીથી હવેલી જાણે દીપવા માંડી.
શેઠ પણ કામ જોવા આવે, ખુશ થઈને પાછા જાય.
આ ગામમાં જ નહીં, આજુબાજુના પંથકમાં પણ સુથારની કારીગરીની સુવાસ ફેલાવા લાગી.
આમ કરતાં કરતાં એ દિવસ પણ આવ્યો જ્યારે સરસ રીતે આખુંય કામ પૂરું થયું.
સુથારે આશાભરી મીટ માંડી શેઠ પાસે પોતાનું લેણું ચૂકવવા વાત મૂકી.
જવાબમાં શેઠે કહ્યું, કેમ નહીં?
મેં તને રાજી કરવાનું વચન આપ્યું છે એ મને યાદ છે. તું કાલે પેઢીએ આવી જા.
શેઠની વાત સાંભળી પેલો સુથાર તો રાજીના રેડ થઈ ગયો.
કાલે પેઢીએ જઈશું એટલે સારી એવી રકમ હાથમાં આવશે એ વિચારે એ મલકી ઉઠ્યો.
બીજા દિવસે શેઠ સાથે નક્કી થયા પ્રમાણે એ પેઢીએ પહોંચ્યો.
શેઠે એને આવકાર્યો. ચા-પાણીનું પૂછ્યું.
ચા-પાણી પીવાઇ ગયાં એટલે સુથાર આશાભરી આંખે શેઠ સામે જોઈ રહ્યો.
વાતનો દોર હાથમાં લેતાં શેઠે કહ્યું, ‘બોલ ભાઈ, તું સરસ કામ કરીશ તો તને રાજી કરી દઇશ, એ જ વાત આપણે થઈ હતી ને?’
સુથારે કહ્યું, ‘બરાબર શેઠ’.
લે સાંભળ ત્યારે...
પેલા સુથારના કાન શેઠની વાત સાંભળવા માટે બરાબર સરવા બન્યા.
એકાએક શેઠે કહ્યું, ‘જો ભાઈ, આપણા ઠાકોર સાહેબને ત્યાં દીકરો જનમ્યો. બોલ, તું રાજી થયો કે નહીં?’
સુથાર શું જવાબ આપે. ના તો કહેવાય જ નહીં.
પોતાના રાજાને ત્યાં દીકરો આવ્યો અને પોતે રાજી નથી થયો એવું થોડું કહેવાય?
અને જો હા કહે તો?
શેઠની પેલી શરત પૂરી થઈ જાય અને એને માલસામાન કે મજૂરી પેઠે પૈસોય ન મળે!
બરાબરની કફોડી સ્થિતિ સરજાઈ.
એ મોં નીચું કરીને પેઢીનાં પગથિયાં ઉતરી ગયો.
ક્યારેક ક્યારે આપણે પણ આવી સ્થિતિમાં મુકાઇ જતા હોઇએ છીએ ને?
સવાલ હંમેશાં એ જ ઊભો રહે છે.
તમે શેઠ છો કે કારીગર?
અને...
આપણામાંના સો એ નવ્વાણું તો...
કારીગરના રોલમાં જ હોઈએ છીએ.
ખરું ને?
બોલો તમે રાજી થયા??