જીવન એક એવું નાટક છે, જેમાં હવામાન ખાતાના વરતારાની માફક કોઈને કોઈ ધાર્યા/અણધાર્યા બદલાવ આવતા રહે છે. માણસ તેના અંદાજ અનુસાર ઊભી થનાર પરિસ્થિતિને પહોંચી વળવા માટે જાતજાતના ઉપાયો કરતો હોય છે. એ વીમાની પોલીસી લે છે, બૅન્કમાં ખાતું ખોલાવી જુદી જુદી રીતે બચત કરવાનું આયોજન કરે છે, બાળકોના શિક્ષણની માંડીને એ સારી રીતે સ્થાયી થાય એ માટેનું આયોજન કરે છે, માંદગી આવે તો મેડિક્લેમ જેવી સવલતોમાં એનું રોકાણ હોય છે. આવું ઘણું બધું ચાલ્યા કરે છે. એને એવું પણ શીખવાડવામાં આવ્યું છે કે, ‘ઈફ યુ ફેલ ટુ પ્લાન યુ આર પ્લાનિંગ ટુ ફેલ.’ આ પ્લાનિંગનું મહત્ત્વ મોટા ભાગે ઘણા બધાને સમજાવવામાં આવે છે. બચતનું મહત્ત્વ સમજાવાય છે, તંદુરસ્ત રહેવા માટેનું મહત્ત્વ સમજાવાય છે, વગેરે. આમાંથી કેટલુંક અમલમાં મુકાય છે પણ ખરું, પણ મોટા ભાગે જ્યારે માણસના જીવનમાં યુવાનીનાં ઘોડાપુર ઉછાળા લેતાં હોય ત્યારે બેફિકરાઈ એના વિચારોમાં કેન્દ્રસ્થાને હોય છે એટલે ઘણું બધું જાણતો હોવા છતાં તે કરતો નથી.
પોતે જે અનિશ્ચિતતાઓ છે તેની સામે તો ક્યારેક આયોજન પણ કરે છે, અને વિચારે છે પણ ખરા. પણ જે નિશ્ચિત થવાનું છે તેની વાત કરવી પણ એને નથી ગમતી.
આ નિશ્ચિત થવાનું છે એટલે શું?
જન્મ, મૃત્યુ, જરા, વ્યાધિ – એમાં સૌથી વધારે એને નથી ગમતું તે મૃત્યુ અંગેનો વિચાર. આ વિચાર ગમે ના ગમે તો પણ એની પ્રાથમિકતાઓમાં તો નથી જ આવતો અને એટલે ઘણી વાર માણસ મૃત્યુના ખ્યાલ માત્રથી હેબતાઈ જાય છે. જેમ ઝાડ પાનખર આવે અને પોતાનાં જૂનાં પાંદડાં ખંચેરી નાખી નવપલ્લવિત બને છે તે રીતે શરીર જર્જરિત થાય ત્યારે આત્મા એને છોડી નવા ઘરે રહેવા જાય છે એ ખ્યાલ માત્ર ધ્રુજાવી દેનારો હોય છે. આ કારણથી મૃત્યુ વિશેની ચર્ચા કે વિચાર ઘણા બધાના મતે અમંગળ છે. એ ઘણું બધું કરશે પણ પોતે એક દિવસ અહીંથી બિસ્તરા પોટલા બાંધીને વિદાય થવાનો છે કે સ્વીકારીને એના વંશ-વારસોએ કઈ રીતે વર્તવું તેવી વાત ક્યારેય નહીં કરે. માલ-મિલકત ઘણી છે પણ એ બધુંય રહસ્ય એની છાતીએ બંધાઈને કોઈ બૅન્કના લોકરમાં કે ઘરની તિજોરીમાં કેદ છે.
આ સંયોગોમાં માણસનું મૃત્યુ એકાએક શૂન્યાવકાશ સર્જે છે. જનાર તો ચાલ્યો જાય છે પણ પેલો સ્મશાન-વૈરાગ્ય જરા હળવો થાય એટલે એણે પાછળ મૂકેલા ગૂંચવાડા સપાટી પર આવવા માંડે છે. ગુજરાતના એક મોટા રાજવી કુટુંબની વારસાઈની લડાઈ એટલી તો લાંબી ચાલી કે ખાસ્સી બે પેઢી શ્રીમંત ગરીબો તરીકે જીવી. કરોડો રૂપિયા હતા, મિલકતો હતી, ઝવેરાત હતું પણ કોનું, તે નક્કી કરવા માટે વારસાઈની લડાઈઓ ચાલી, ભાઈ-ભાઈ એકબીજા સામે કોર્ટે ચઢ્યા અને પરિણામે આખી બે પેઢી સમૃદ્ધિના છલોછલ પ્યાલામાંથી એક ટીપુંય પી ના શકી. ઘણા બધા ધનિકોના કિસ્સામાં આવું થતું હોય છે. સ્પષ્ટતાનો અભાવ અને વિલની ગેરહાજરી એમને કુરુક્ષેત્રના મેદાનમાં ખેંચી લાવે છે. છેવટે લડાઈ તો પાંચ ગામડા માટેની હતી. પોતાના વિષ્ટિકાર શ્રીકૃષ્ણને દૂત તરીકે માત્ર પાંચ ગામડાનો વહીવટ આપો એવી સમાધાનની ફોર્મ્યુલા સાથે પાંડવોએ મોકલ્યા હતા. હસ્તિનાપુરનું સામ્રાજ્ય દરિયો હતું. એમાંથી એક ચમચી ઉલેચાઈ જાય તો કોઈ જ ફરક પડવાનો ન હતો પણ... કૌરવો ના માન્યા અને મોટો નરસંહાર થયો.
મૃત્યુ દરેકના માટે નિશ્ચિત છે. દરેકે એક દિવસ આ દુનિયા છોડવાની છે. સાથે કશું જ નથી આવવાનું અને તોય લોહિયાળ જંગ મંડાય છે. કોર્ટ-કચેરીના આંટાફેરા શરૂ થાય છે. એક જ પૂર્વજોના વંશજો પોતાના હક્ક માટે તલવારો કાઢે છે અને સર્જાય છે મહાભારત એટલે તો કહ્યું છે,
‘જર, જમીન ને જોરુ, ત્રણે કજિયાના છોરું’
આજે આ લેખમાં આવા બધા મહાસંગ્રામોની વાત નથી કરવી. આજની ચર્ચા એક નાનકડા વિષયને લઈને છે. પતિ અને પત્ની બંનેના સંબંધો અનહદ પ્રેમભર્યા છે. એકબીજા માટેની લાગણી મનમાં વાવીને આખીય જિંદગી સહજીવનને માણ્યું છે. સદ્નસીબે બાળકો પણ સારાં છે. પેલી સ્ત્રી સાત જનમ આ જ પતિ મળે એવી પ્રાર્થનાઓ કરતાં ધરાતી નથી. પતિની પણ એ જ તો પ્રાર્થના છે અને ત્યાં એકાએક પત્ની મોટા ગામતરે ચાલી નીકળે છે. એનો પતિ અત્યાર સુધી વાઘ જેવો હતો. એકાએક કુરુક્ષેત્રના મેદાનમાં અર્જુનને યુદ્ધની શરૂઆતે જેવો વિષાદ થયો હતો તેવો પેલા પુરુષના સંપૂર્ણ અસ્તિત્વને ઘેરી વળે છે.
પહેલા થોડા દિવસ તો સમય જતો રહે છે પણ... જેવી મરણોત્તર વિધિ પૂરી થઈ કે બધા વિખરાવા માંડે છે. હવે પેલા પુરુષને પત્નીની હયાતીએ એને કેવી હૂંફ અને આત્મવિશ્વાસ બક્ષ્યો હતો તે હવે નથી. પત્નીની હયાતીમાં ગૃહસ્થધર્મ નિભાવવામાં એને કોઈ વાંધો નહોતો આવ્યો. એનાં કપડાં પણ મોટે ભાગે પત્ની જ ખરીદે અને ઘર-વ્યવહારનો ખર્ચો પણ એ કર્યા કરે. એને શું ભાવે છે અને શું ફાવે છે, એ બાબતે એને વિચાર આવે તેના પહેલાં પત્નીએ વ્યવસ્થા ગોઠવી કાઢી હોય અને એટલે પત્ની જ્યારે એકાએક વિદાય લે ત્યારે એ નથી એ વાત જ મન સ્વીકારવા તૈયાર નથી થતું.
અત્યાર સુધી પેલા પુરુષે માત્ર કમાવા પૂરતું અને નાના-મોટા બહારના વ્યવહારો નિભાવવા સિવાય ખાસ વધારે કર્યું નહોતું. એની માનસિક સ્થિતિ કેવી થતી હશે? પુરુષ છે એટલે એને ઢીલા પડવાની કે આંખમાં ધસી આવતાં આંસુઓને પણ વહેવડાવી દેવાની છૂટ નથી.
એક હૃદયસ્પર્શી કવિતા પોતાની કૉલમ ‘યે જો હૈ જિંદગી’માં લખાયેલ એક મનનીય લેખ ‘તમારા પતિને વિધુર બનતા શીખવાડો' એ લેખમાં સુશ્રી ગીતા માણેક ગુલઝાર સાહેબનો હવાલો આપીને લખે છે,
“અમારા પ્રિય કવિ ગુલઝારની એક બહુ જ હૃદયસ્પર્શી કવિતા છે:
બુઢિયા, તેરે સાથ મૈંને, જીને કી હર શૈ બાંટી હૈ!
દાના પાની, કપડા લત્તા, નીંદે ઔર જગરાતે સારે,
ઔલાદોં કે જનને સે બસને તક, ઔર બિછડને તક!
ઉમ્ર કા હર હિસ્સા બાંટા હૈ…
તેરે સાથ જુદાઈ બાંટી, રૂઠ, સુલહ, તન્હાઈ ભી,
સારી કારસ્તાનિયાં બાંટી, ઝૂઠ ભી ઔર સચ્ચાઈ ભી,
મેરે દર્દ સહે હૈ તૂને,
તેરી સારી પીડે મેરે પોરોં સે ગુઝરી હૈ,
સાથ જિયે હૈં…
સાથ મરેં યે કૈસે મુમકિન હો સકતા હૈ?
દોનોં મેં સે એક કો ઇક દિન,
દૂજે કો શમ્શાન પે છોડ કે
તન્હા વાપસ લૌટના હોગા!!
આપણને ગમે કે ન ગમે, આપણે એના માટે તૈયાર હોઈએ કે ન હોઈએ, સંબંધો પ્રેમભર્યા હોય કે કંકાસથી છલોછલ પણ હકીકત તો એ જ છે કે બહુ થોડા અપવાદો બાદ કરતાં પતિ-પત્નીનું એકસાથે મૃત્યુ થયું હોય એવું ભાગ્યે જ બને છે. કવિ ગુલઝારે લખ્યું છે એમ જિંદગીના દરેક તબક્કે સાથ નિભાવ્યો હોય પણ બેમાંથી એક જણે બીજાને સ્મશાનમાં ચિતા પર ચડાવીને ઘરે એકલા પાછા ફરવાનું હોય છે. આ એકલતા ભયાનક હોય છે એ ખરું પણ દરેક પરિણીત વ્યક્તિએ પોતાનો જીવનસાથી ગુમાવવાની એ કારમી પીડાનો ક્યારેક તો સામનો કરવો જ પડતો હોય છે.”
અગાઉના જમાનામાં ઉનાળાનું વેકેશન પડે એટલે પત્ની બાળગોપાળ સમેત પોતાના માવતરે રહેવા જતી. બાળકો એમના મોસાળ જતાં અને ત્યારે માત્ર થોડા અઠવાડિયાની જુદાઈ પેલા પુરુષને ઘણું શીખવાડી દેતી. પત્ની પિયર ગઈ છે અથવા કોઈ સામાજિક કારણોસર કે માંદગીના કારણે એની અંશતઃ ગેરહાજરી ઊભી થઈ છે, તે પેલા પુરુષને ઘણું બધું શીખવાડી દે છે. ખમીસનું બટન ટાંકતાં આંગળીમાં સોય વાગે, ગૅસ પર ગરમ કરવા મૂકેલું દૂધ ઉભરાઈ જાય, ચા કાં તો સાવ ફિક્કી અથવા એકદમ શરબત જેવી બને, જાતે રાંધે તો શાક કાચું રહે અને દાળ તેમજ પાણી જુદાં પડે, રોટલી કે ભાખરીનો આકાર ભારતના નકશા જેવો થાય, ધીમા તાપે ચઢવા મૂકેલી પેલી ખિચડી કાં તો દાઝી જાય, કાં તો પાણી–પોચી રહે અને આ બધું જ બાજુ પર મૂકી લૉજ કે કોઈ હૉટલના ડાઇનિંગ રૂમમાં જમવા જવું હોય તો બે દિવસ તો રસોઈ ખૂબ સ્વાદિષ્ટ લાગે પણ ત્રીજા દિવસે પેટ જવાબ દઈ કે.
એક કપ ચા કે બે ટાઇમ ભોજન માટે પત્ની હોય ત્યારે રાજાની જેમ રૂઆબ છાંટતા આ પતિદેવને જાણે મા વિનાના બાળક હોય એમ બે ટાઇમ ભોજનનાય સાંસા પડે અને પત્નીની ગેરહાજરીમાં તેમણે સગા-સંબંધીઓનો આસરો લેવો પડે, પોતાના ઘરે રાત્રે બાર વાગે આવે તોપણ ગરમ ભોજન મળે તેને બદલે ગમે તેટલાં નજદીકનાં સગાં હોય, સમયસર જમવા માટે પહોંચી જ જવું પડે. આ પરિસ્થિતિ જેમ જેમ સમય લંબાતો જાય તેમ તેમ અસહ્ય બનતી જાય છે.
સુશ્રી માણેક પોતાના લેખમાં એક સરસ મજાનો દાખલો ટાંકે છે, જે લગભગ મારા, તમારા કે આપણા જીવનમાં બનતી હોય છે. માણેક લખે છે,
“એક યુવાન અને યુવતીનાં લગ્ન થયાં. લગ્નના બીજા દિવસે પતિ પથારીમાંથી ઊઠ્યો અને બાથરૂમમાં ગયો તો બાથરૂમમાં તેના ટૂથબ્રશ પર ટૂથપેસ્ટ લગાડીને તૈયાર હતી. તેનો ટુવાલ બાથરૂમમાં ટીંગાડી દેવામાં આવ્યો હતો. કપડાંને ઈસ્ત્રી કરીને મૂકવામાં આવ્યાં હતાં. રૂમાલ, મોજાં બધું જ તૈયાર કરીને મૂકવામાં આવ્યું હતું. પતિએ તરત જ બૂમ પાડીને પત્નીને બોલાવી. પત્ની દોડીને આવી એવું માનીને કે તેણે જે બધું ગોઠવી રાખ્યુ હતું એ જોઈને પતિ ખુશખુશાલ થઈ ગયો હશે પણ તેને બદલે પતિના ચહેરા પર નારાજગી હતી. પતિએ તેને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે આજે તો આ બધું કર્યું પણ હવેથી આ બધું કરવાની જરૂર નથી. પત્નીના ચહેરા પરનો રંગ ઊડી ગયેલો જોઈને તેણે તેને બાજુમાં બેસાડીને સમજાવી કે જો, આજે તેં મારા ટૂથબ્રશ પર ટૂથપેસ્ટ લગાડવાથી માંડીને મારી જરૂરતની બધી જ ચીજવસ્તુઓ ગોઠવીને મૂકી છે. આવું તું કાયમ કરી શકીશ નહીં અને કરીશ તોય થોડા વખત પછી આનો તને બોજ લાગવા માંડશે. ત્યાં સુધીમાં મને બધું જ હાથમાં મળે એવી આદત પડી ગઈ હશે. ટૂંકમાં, આવી વ્યવસ્થા લાંબો સમય ચાલશે નહીં અને ચાલશે તોય એમાં કંટાળો પ્રવેશશે. આ સિવાય પણ હું તારા પર એટલા હદે નિર્ભર થવા નથી ઈચ્છતો કે મારું પોતાનું કામ કરવા માટે પણ મને તારી જરૂર પડે. માટે મહેરબાની કરીને મને મારાં કામ જાતે કરી લેવા દે. તું મારા જીવનમાં નહોતી ત્યારે પણ હું બ્રશ કરતો હતો અને નહાઈને જાતે જ તૈયાર થઈ જતો હતો.
કોણ જાણે કેમ પણ આપણે ત્યાં પ્રેમની વ્યાખ્યા એકબીજા પર નિર્ભર હોવું એવી થઈ ગઈ છે. પતિ-પત્ની વચ્ચે પ્રેમ હોય, લાગણી હોય કે ફોર ધેટ મેટર કોઈ પણ સંબંધોમાં પરસ્પર એકબીજા માટે સ્નેહ હોય એ સારી બાબત છે પણ પતિ-પત્નીના સંબંધોમાં એકબીજા માટેનો સ્નેહ કે દોસ્તી કરતાં વધુ એકબીજા પરની નિર્ભરતા પ્રવેશી જાય છે. પતિ-પત્ની પ્રેમી મટીને એકબીજાની જરૂરિયાત પૂરી કરનારા મશીન જેવા થઈ જાય છે. કેટલીય પત્નીઓને એવું કહેતાં સાંભળી છે કે મને તો અમુક જગ્યાએ ફરવા કે કોઈને મળવા જવું છે પણ કેવી રીતે જઈએ, કારણ કે હું જો થોડા દિવસ ન હોઉં તો મારા પતિ કે છોકરાંઓ ભૂખ્યા રહે, ઘરનો કારભાર કોણ ચલાવે? મૃત્યુ તો બહુ દૂરની વાત છે પણ પત્ની કે ઘરની મુખ્ય મહિલાની ગેરહાજરીમાં ઘર નામની આ ફેક્ટરી સદંતર ખોટકાઈ જતી હોય છે. દાંપત્યજીવનનાં શરૂઆતનાં વર્ષોને બાદ કરતાં પછી ધીમે-ધીમે પતિ-પત્ની વચ્ચે પ્રણયને બદલે પરસ્પર ગુલામી પ્રવેશ કરી જાય છે. જ્યાં ગુલામી હોય, અસલામતીની ભાવના હોય ત્યાં પ્રેમ ક્યાંથી પાંગરી શકે!”
જ્યારે પતિ કમાતો હોય અને પત્ની ઘર સાચવતી હોય ત્યારે પત્ની કઈ રીતે ઘર ચલાવે છે, તે પણ સમજી લેવું જરૂરી હોય છે. એવું જોવામાં આવ્યું છે કે, પત્ની બીમાર થાય કે કોઈ પણ કારણસર ગેરહાજર હોય કે પછી અણધારી વિદાય લઈ લે તો પતિ સવારની એક કપ ચા કે સાફ-સ્વચ્છ ટુવાલ માટે પુત્રવધૂ કે દીકરી પાસે આજીજી કરતો થઈ જાય એટલે હદ સુધી એને પરોપજીવી નહીં બનાવી દેવાની જરૂરિયાતની સભાનતા પણ સ્ત્રીમાં હોવી જોઈએ.
આપણે નારી આત્મનિર્ભર બને એ વિશે ઘણું બધું બોલીએ છીએ કે લખીએ છીએ પણ સંપૂર્ણપણે પરોપજીવી પુરુષ ઘરમાં આત્મનિર્ભર બને તેવું વિચારીએ છીએ ખરા? સાહેબ ઑફિસેથી આવે એટલે પાણીનો ગ્લાસ આપવાથી માંડીને જમવા સુધીની બધી જ વ્યવસ્થાઓ ગૃહસ્વામિનીએ જોવી પડે છે અને ‘ન કરે નારાયણ’ એને આટલું બધું વ્હાલ કરી પરોપજીવી બનાવી દેનાર અને ક્યારેક ‘અમારા એ તો ઘરમાં કશું ના જાણે’ આવા બણગાં ફેંકનાર બહેનો એ નથી વિચારતી કે ક્યારેક જો એમણે પતિનાથી પહેલાં મોટાં ગામતરે જવાનું નક્કી કર્યું તો સાચા અર્થમાં પેલાને ઘરમાં કશી જ નથી ખબર પડતી. મજા તો ત્યાં આવે છે જ્યારે ગઈ કાલ સુધીનો કોટવાળ હવાલદાર બની જાય છે.
પુત્રવધૂઓ સાથે મર્યાદા રાખી હોય એટલે ઘણી વખત ‘રસોઈ આવી બનાવો, ઢોકળા બનાવો, પૂરણપોળી બનાવો’ પત્નીને જે દાદાગીરીથી કહી શકાતું એ હવે નથી કહેવાતું. પુત્રવધૂનો એમાં કોઈ વાંક નથી પણ તમે મર્યાદાના નામે પુત્રવધૂને દીકરી ગણી જ નથી તો એ રાતોરાત ક્યાંથી દીકરી બની જવાની છે? પરિણામે વિધવા બહેન કરતાં વિધુર પુરુષની સ્થિતિ ક્યારેક વધુ દયાજનક હોય છે, કારણ કે, એની લાગણીઓ ઉપર હવે લગામ નાખવી પડે છે અને એકાએક સ્ટીયરિંગ વ્હીલના બદલે પોતે સ્ટેપની બની ગયો હોય એવો અહેસાસ થાય છે.
સુશ્રી માણેક લખે છે કે, ‘આજની નારી આત્મનિર્ભર બની છે. ઘણા બધા કિસ્સાઓમાં તે પતિના કામકાજ કે વ્યવસાય અંગે વાકેફ છે પણ એમની સરખામણીમાં મોટા ભાગના પુરુષો હજુ પણ પોતાની રોજબરોજની જરૂરિયાતો માટે પત્ની કે મા અથવા ઘરની જ કોઈ મહિલા સદસ્ય પર નિર્ભર છે. આ સ્થિતિ માટે કેટલેક અંશે સ્ત્રીઓ પણ પોતાના પતિઓને કે પુત્રોને પોતાના પર નિર્ભર રાખવા ઇચ્છતી હોય છે. મારા હસબન્ડને તો મારા વિના ચાલે જ નહીં. પેન્ટ અને શર્ટનું મેચિંગ કરતાં પણ ના આવડે, ઘરમાં મીઠું-મરચું કે ચા-સાકરના ડબ્બા ક્યાં છે એની પણ ખબર ના હોય – એવું ઘણી મહિલાઓ પોરસાઈને કહેતી હોય છે.’ આમાં પ્રેમ કરતાંય વધારે માલિકીપણાનો ભાવ દેખાય છે. એકબીજાનો સાથ-સંગાથ હોવો એ આવકાર્ય છે, પણ પોતે એકબીજા માટે વ્યસન બની જવું એ યોગ્ય નથી. સંબંધોમાં મોકળાશ ન હોય ત્યારે પતિ અથવા પત્ની એકબીજાના પગમાં જડાયેલી બેડી બની જતાં હોય છે. પાંજરું ભલે સોનાનું હોય પણ એ પાંજરે પુરાયેલ પંખી તમારી દરકાર પોતાની મૌલિકતા અને આઝાદીને ખોઈ નાખીને મેળવે છે.’
જેમ વિજ્ઞાનના સિદ્ધાંત પ્રમાણે આપણે ઊભા રહેવું હોય કે ચાલવું હોય તો ઘર્ષણ જરૂરી છે. તે જ રીતે જીવનમાં ક્યારેક ક્યારેક નાનામોટા મતભેદો કે તૂતૂ-મેંમેં પણ જરૂરી છે. આવો ઝગડો તમારા સ્નેહના બંધનને વધુ મજબૂત બનાવે છે. એટલે જ તો કહ્યું છેઃ
‘કુછ શિકવે ભી હો, કુછ શિકાયત ભી હો,
તો મજા જિનેકા ઔર ભી આતા હૈ...’
૧૬ માર્ચ, ૨૦૨૧થી સુહાસિની સદેહે નથી. એની ગેરહાજરીમાં ક્યારેક અમારી વચ્ચે થતા બાલિશ ઝગડા સાંભરે છે ત્યારે મોં પર સ્મિત આવી જાય છે. આંખ હસે છે અને કાળજું રડે છે.
સુહાસિની મારાથી જુદી પડી શકે જ નહીં, એટલે જ અમે ક્યારેય એના નામ આગળ ‘સ્વર્ગસ્થ’ નથી લખતા. એ સ્વર્ગસ્થ નહીં પણ ૨૦૨૧ના માર્ચ મહિનાના આજના દિવસે ‘હૃદયસ્થ’ બની છે, બરાબર બપોરે ૧૨.૦૦ કલાકની આસપાસ. ૧૬મી માર્ચનો મધ્યાહ્ન અમારા માટે બળબળતા બપોરનો નહીં પણ સુહાસિનીના ભૌતિક અસ્ત્વિત્વના સૂર્યને ક્ષિતિજે સાગરમાં સંતાઈ જતા જોવાનો છે.
અને હા...
‘શામ કા સૂરજ બિંદિયા બનકર સાગર મેં ખો જાયે,
સુબહ સવેરે વો હી સુરજ આશા લેકર આયે,
નયી ઉમંગે નયી તરંગે આસ કી જ્યોત જલાયે,
તુમ આજ મેરે સંગ હસ લો....
તુમ આજ મેરે સંગ ગા લો....’
ક્ષિતિજની પેલે પારથી ક્ષિતિજને આ પાર ‘તું’ હંમેશાં અમારા અસ્તિત્વનો ભાગ છે અને રહીશ.
॥ જય સાંઈનાથ ॥
॥ જય લક્ષ્મી મા ॥
॥ ગોવિંદ માધવરાય કી જય ॥
॥ મૃત્યુંજય મહાદેવ ખડાલીયા હનુમાન કી જય ॥
॥ સિદ્ધેશ્વરી માત કી જય ॥
મળીએ ત્યારે... ક્ષિતિજની આ પાર.