આપણી વ્યથાની વાત કોઈને ન કરવી
પોતાના મનની વાત કે રહસ્ય કોઈની પણ સાથે બિલકુલ વહેંચીએ જ નહીં એ શક્યતા નહિવત છે. ગમે તેવો ઓછાબોલો માણસ પણ ક્યાંક ને ક્યાંક તો દિલ ખોલતો હોય છે. એટલે એમ કહેવું પોતાના દિલની વાત કોઇને પણ સાથે ન કરવી તે યોગ્ય નથી. આજે માત્ર તમે તમારા મનની વાત કોઇની સાથે Share કરતા હોવ એટલે વહેંચતા હોવ તો કેટલીક બાબતો અંગે ખૂબ જ સતર્કતા રાખવી અને બને ત્યાં સુધી એ વાતો કોઈની પણ સાથે ચર્ચવી નહીં.
આપણો અનુભવ છે, જ્ઞાન છે, એ અંગેની ચર્ચા, કોઈનો અનુભવ કે જ્ઞાન મળે એ અંગેની ચર્ચા સરવાળે ઉપકારક બનતી હોય છે. પણ કેટલીક વાતો તો મનની તિજોરીમાં સંપૂર્ણપણે તાળાં-ચાવીમાં રહેવી જોઈએ કારણ કે આ વાતો બહાર આવવાથી સામા માણસને ફાયદો થાય કે ના થાય પણ આપણને નુકસાન થવાની પૂરેપૂરી શક્યતા છે તેવું અનુભવીઓનું તારણ છે.
પોતાનું નુકસાન થાય તેવી વાત સમજતા પહેલા એક વાત નક્કી કરી લો, જરાપણ ભોળા કે લાગણીશીલ બન્યા વગર કોના પર કેટલો વિશ્વાસ મુકવો, કોની સાથે કેટલી વાત કરવી અને કેટલી નહીં કરવી તે નક્કી કરી લો.
આ નક્કી કરતાં એટલું ચોક્કસ સમજી લો કે જે માણસ બીજાની કોઈ ગોપનીય અથવા અંગત વાતો તમારા મોઢે કરે છે અને તમને જે સાંભળીને ગલગલિયાં થાય છે તે જ માણસ તમારી વાતો બીજાના મોઢે કરશે. કેટલાંક માણસો પોતાની અગત્યતા આ પ્રકારની વાતો ફેલાવવાના માધ્યમ તરીકે ઊભી કરી દે છે. જો એ બીજાની ખાનગી વાત નથી જ જીરવી શકતો, તમારી પણ વાત નહીં જીરવી શકે તે વાત નક્કી માની લો. આપણી જિંદગી આપણી એક સાવ અંગત ડાયરી છે. એમાં આપણા વિચારો, માન્યતાઓ અને લાગણીઓ, જેવી છે તેવી, કોઈ આડંબર વગર આલેખાયેલી હોય છે. તમે એમાંથી કોઈ વાત બીજાને કરો છો એનો અર્થ એ થાય કે આ ડાયરીનું એક પાનું તમે સાર્વજનિક કરો છો. ગુજરાતીમાં કહેવત છે ‘વાત વાયરો લઈ જાય’. એક વખત તમારા દિલના પટારામાંથી વાત બહાર નીકળી એ ક્યાં સુધી જશે એનો કોઈ કાબૂ તમારી જોડે નથી એટલું સ્પષ્ટ સમજી લો. આપણા મનની ડાયરી કોઈ વાંચે, જુએ અને એથીય ખરાબ કોઈ એમાં પોતાની વાત લખે એટલે કે એના વિચારોનું બીજ વાવતું જાય તે ક્યારેય સ્વીકૃત ના હોઈ શકે. એટલે તમારી જે વાતો ક્યારેય કોઈના કાને ના પડવી જોઈએ તે બહુ જ કાળજીપૂર્વક નક્કી કરીને એ માહિતી ‘ટોપ સિક્રેટ - અત્યંત ગોપનીય’નું લેબલ મારીને તમારા મનની તિજોરીમાં બંધ કરી દો. કોઈપણ પ્રલોભન અથવા ઉશ્કેરાટ કે લાગણીશીલતા આ તાળાંની ચાવી ન બની શકે.
કોઈપણ વ્યક્તિ, ચાહે તે તમારો લંગોટીયો મિત્ર હોય, કુટુંબનો સભ્ય હોય, સંબંધી હોય, એ મનની આ સૃષ્ટિ જેમાં તમે તાળુ મારીને પેલી ગોપનીય વાતોને બંધ કરી દીધી છે ત્યાં સુધી ક્યારેય ન પહોંચવી જોઈએ. આ ‘બેસ્ટ ફ્રેન્ડ’એ લેબલથી તો ખાસ ચેતવું. તમે એને બધું જ કહી દેશો અને ક્યારેક એની સાથે મતભેદ કે ઝઘડો થયો તો એ ‘બેસ્ટ ફ્રેન્ડ’ તમારો ‘વર્સ્ટ એનીમી’ બની જશે. પેલી અતિ ગોપનીય તિજોરીમાં ડોકિયું કરવાનો એને પણ અધિકાર નથી.
આ બાબતો કઈ છે? એમાં પહેલો મુદ્દો આવે આપણી ઇચ્છાઓ, અભિલાષાઓ કે લક્ષ્ય શું છે તે જ્યાં સુધી આપણી ઈચ્છા, અભિલાષા કે લક્ષ્ય સિદ્ધ થતાં નથી ત્યાં સુધી એને કોઈની સાથે ચર્ચવા નહીં. પોતાનાં બાળકો માટે મા-બાપે પણ આ વાત ખાસ ધ્યાન રાખવી જોઈએ. મારો દીકરો કે દીકરી બારમા ધોરણમાં છે અને એને તો મેડિકલમાં જવું છે એટલે અત્યારે રોજની 16 થી 18 કલાક મહેનત કરે છે. અમે પણ એનો જરા પણ સમય ન બગડે તે જોઈએ છીએ. ખૂબ સારી વાત છે પણ ના કરે નારાયણ અને પેપર ખરાબ ગયાં, કોઈ માંદગી આવી પડી અને તમારું સંતાન મેડિકલમાં પ્રવેશ ન મેળવી શકયું, મારા મત પ્રમાણે આનાથી કોઈ આકાશ તૂટી પડ્યું નથી પડવાનું પણ તમે એનો ઢંઢેરો આખા ગામમાં પીટી ચૂક્યા છો એટલે કોઈ જ કારણ વગર તમારું સંતાન મનમાં લઘુતાગ્રંથિનો બોજ લઈને ફરશે. કેટલાંક વાંકદેખાઓ અને પારકાને દુઃખી જોઈને સુખી થનાર તો તમને તમારું બાળક સાંભળે તે રીતે પૂછશે, ‘શું થયું? બાબો તો બહુ હોશિયાર હતો, કેમ આવું પરિણામ આવ્યું? હવે તો મેડિકલમાં નહીં જઇ શકે ને?’
આ બોજ તમે પોતાની જાતે નોતર્યો છે. તમારું બાળક આ બોજ નીચે તૂટી જશે. ક્યાંક આપઘાત કરી દેશે અથવા આખી જિંદગી લઘુતાગ્રંથિ સાથે જીવશે. તમારી મહત્વકાંક્ષા એને ડૉક્ટર બનાવવાની છે, તે ડોક્ટર બની જાય ત્યાં સુધી તમારી પાસે જ રાખો ને ભાઈ! બની જાય ત્યારે આખી દુનિયામાં ઢંઢેરો પીટીને કહેજો કે બાળક જન્મ્યું તે પહેલા નક્કી કર્યું હતું કે તેને ડોક્ટર બનાવવું. આજે અમારો નિર્ણય ફળીભૂત થયો. ઉગતા સુરજ અને સફળતાને પૂજનારા તમારી આ બડાશને તાળીઓથી વધાવી લેશે કારણ, તમે ડોક્ટરના માબાપ છો.
એ જ રીતે તમે કોઈ ધંધો કરવા માંગતા હો, કોઈ જમીન કે મિલકતમાં રોકાણ કરવા માંગતા હો, તો એને બિનજરૂરી ચર્ચામાં મૂકવાથી કશો જ ફાયદો નથી. તમે જેવી મનની વાત બહાર પાડશો કે એમાં પથરો નાખવાવાળા કામે લાગી જશે. તમારી અભિલાષા, તમારું ધ્યેય, તમારું સ્વપ્ન, એ સિદ્ધ થાય ત્યાં સુધી તમારું જ રહેવા દો. જ્યાં ફરજિયાત જરૂરી હોય તે સિવાય કોઈની પણ સાથે એની ચર્ચા કરીને તમારા માટે બંધન ઉભું કરશો નહીં.
વ્યક્તિગત ધોરણે તમે તમારા માટે કોઈ લક્ષ્ય નક્કી કર્યું હોય, દાખલા તરીકે હું રોજ સવારે પાંચ વાગે ઉઠી જઈશ અને નિયમિત પ્રાણાયામ અને કસરત કરીશ અને સાડા છથી સાડા સાત બાજુના પબ્લિક ગાર્ડનમાં ચાલવા માટે જઈશ. તમે આ વાત તમારા ઘરમાં કરી, એકાદ-બે નજીકના મિત્ર જેની તમારા ત્યાં અવારજવર છે તેમને પણ કરી, અરે ભાઈ ઉત્સાહ છે ને કહી દીધું! પછી જો તમારાથી આ નિયમ નહીં જાળવી શકાય તો પહેલો ટોણો મારવાની શરૂઆત તમારી પત્ની કરશે, અને તે પણ મોઢું મચકોડીને. પેલો ખાસ મિત્ર તેના કુટુંબ સાથે તમારા ઘરે આવ્યો હશે ત્યારે કદાચ એ આ મુદ્દો છેડશે અને બરાબર બાળકોથી માંડીને તેના પરિવારની હાજરીમાં જ તમારું રહસ્ય ખૂલશે. નીચે માથે વાત સ્વીકારી લેવી પડશે. ફરીવાર તમારો આવો કોઈ નિર્ણય હશે તો એના પર ઠંડું પાણી રેડવાનું કામ તમારી આજની નિષ્ફળતા કરશે. માટે જે અંગત બાબત છે, તમારી મહેચ્છાઓ છે, મનોકામના છે, સ્વપ્ન છે, લક્ષ્ય છે, તેને ક્યારેય બહાર લાવશો નહીં. ‘ફાવ્યો વખણાય’, તમે સફળ થશો તો આખી દુનિયા તાળીઓ પાડવાની જ છે.
તમારા સંતાનની બાબતમાં તમને સપના સેવવાનો, આશાઓ બાંધવાનો અને કંઈક અંશે લક્ષ્ય નિર્ધારિત કરવાનો અધિકાર છે. આવો જ અધિકાર તમારી પોતાની જાત માટે પણ છે. પણ એની જાહેરાત કરીને તમે જાણેઅજાણે, તમારે સો એ સો ટકા લક્ષ્ય સિદ્ધિ કરવાની જ છે, એવું એક બંધન તમારા અથવા તમારા સંતાન માટે કરી લો છો. બાળક કોઈક પરીક્ષાની તૈયારી કરે છે, જીપીએસસી કે યુપીએસસી માટે વાંચે છે, એને પ્રોત્સાહન આપો. એ જે દા’ડે આઈ.એ.એસ. કે આઈ.પી.એસ. કે જીપીએસસી ક્લાસ વન બનશે, આખી દુનિયા જાણવાની જ છે, અત્યારથી એનો ઢંઢેરો ના પીટો.
બીજો મુદ્દો, તમારી નાણાંકીય સ્થિતિ કેવી છે? મિલકત કેટલી છે? કયા કયા શેરોમાં તમારું રોકાણ છે? કઈ કઈ જમીનોમાં તમે ભાગીદાર છો? તમારી બીજી મિલકતો ક્યાં ક્યાં આવેલી છે? આ બીજા પાસે જાહેર કરવાની કોઇ જરૂર હોતી નથી. એનાં બે પરિણામ આવે છે, કાં તો કેટલાંક ગજા બહારનાં દાન કે ફાળો માંગવાવાળા તમને કનડશે અથવા કામ વગરના તમે ઇર્ષાનું પાત્ર બનશો. એવું કહેવાવાળા પણ નિકળશે કે ભલા માણસ આટલો બધો પૈસો કોના માટે ભેગો કરો છો, થોડો ઘણો વાપરવાનું પણ રાખો ને. કેટલાક તો કામ વગરનું તમારા પર મખ્ખીચૂસ કે કંજૂસનું લેબલ લગાડી દેશે. તમારી પાસે શું મિલકત છે એ જાહેર કરવી એ બિલકુલ જરૂરી નથી.
બરાબર તે જ રીતે તમારી આર્થિક સ્થિતિ પાતળી છે તો જ્યાં ત્યાં રોદણા રડવાથી કોઈ વરસી જવાનું નથી. શેને માટે આવી ભિખારીવૃત્તિ રાખીને તમારું સ્વમાન ઘટાડો છો? કહેવાય છે કે ધનનો ભિખારી હોય એની વેળા વળે પણ મનનો ભિખારી હોય એની વેળા ક્યારેય વળતી નથી. મનના ભિખારી ના બનો. આપણે આપણી રીતે રહેવું. ‘અમને તો આ પોસાય અને અમે તો ગરીબ, અમને આ ના પોસાય’ એવી વાત ક્યારેય કરવી નહીં. મારી મા હંમેશા કહેતી કે, થીગડું દીધેલ લૂગડે અને ઘરડે મા-બાપે કોઈ શરમ ના હોય. તમારા કપડાં સ્વચ્છ હોવા જોઈએ. ક્યાંક થીગડું દેવું પડે એવી સ્થિતિ હોય તો એને મનમાં લેવાની જરુર નથી. અમારે તો આટલું દેવું છે, માથાના વાળ પણ પારકા છે, આવી બધી વાતો કરવાથી કોઈ ફાયદો નથી.
જેને મળો તેને સતત તમારા દુઃખનાં રોદણાં ના રડયા કરો. સુખ અને દુઃખ, તડકો અને છાંયડાની માફક આવ્યા જ કરતા હોય છે. પૈસો છે એટલે માણસ સુખી છે એવું માની ન લેશો. ઘણીવાર આ ધનપતિઓ રાતે પથારીમાં પડખાં ફેરવ્યા કરે છે પણ ઊંઘી શકતા નથી. ભૂખ લાગતી નથી અને એસિડિટી લોહી પીવે છે. આટલા બધા પૈસા છે અને દીકરો ડોબો પાકયો છે, શું થશે એનું?
આ રીતે જેમ તમારી વ્યથાઓ છે એમ એની વ્યથાઓ છે. તમારી વ્યથાઓનો ઉભરો એની પાસે કાઢશો તો એ આ વાત બીજા પાસે કરશે. કોઈ જ કારણ વગર તમારી બાંધી મુઠ્ઠી ખૂલી જશે. આ ખોટનો વેપાર શેના માટે કરવો છે? મને જેમને જાણવાનું અને જેમની પાસે ગુજરાતી કવિતા શીખવાનું સદભાગ્ય પ્રાપ્ત થયું એ મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીના વિદ્વાન પ્રો. ડૉ. રણજીતરામ પટેલ (અનામી) એમની એક નાનકડી કવિતામાં આ મુદ્દે સરસ મજાની શિખામણ આપે છે. કવિતાનું શીર્ષક છે ‘આપણી વ્યથાની વાત કોઈને ના કહેવી’
આપણી વ્યથાની વાત કોઈને ન કહેવી,
હૈયામાં હામ ભરી આપદા સૌ સહેવી... આપણી વ્યથાની વાત...
આપણી વ્યથા એ તો આપણી વ્યથા છે,
આપણી કથા એ તો સૌની કથા છે,
આપણા પરાયાના, ભેદ સહુ ભાંગી,
ગમ કેરી ગઠડીને, નિજ શિરે વહેવી... આપણી વ્યથાની વાત...
ગમ કેરી દિલ્લગીમાં, આગવી મઝા છે,
માનનારા માને તો, આકરી સજા છે,
કુંદન કસોટીની કસપટ્ટી આપદા,
હસતાં હસતાં ભાઈ એને સહી લેવી... આપણી વ્યથાની વાત...
આજે બસ આટલે અટકીએ. બાકીના મુદ્દા હવે પછી.