Thursday, April 9, 2015
હું વડોદરા આવીને એન્જિનિયરીંગ કોલેજમાં કોઈ નોકરી નહોતી મળતી એટલે જોડાયો હતો એવું નહોતું. આઈઆઈટીમાં અવ્વલ નંબરે એમ.ટેક.ની ડીગ્રી મેળવી હતી. રોડિયો હઝરત, સિમેન્ટેશન કે ગેમન ઈન્ડિયા જેવી અનેક કંપનીઓમાં કેરીયર શરુ કરવા માટેની તક વડોદરામાં મળતા પગાર કરતા ઘણા વધારે પગારે મળી શકી હોત. પણ મારે તો ડોક્ટરેટની ડીગ્રી માટે ભણવું હતું અને ડૉ. પિયુષ પરીખ જેવા સક્ષમ પ્રોફેસરનું ગાઈડન્સ મળે તેમ હતું એટલે આ શૈક્ષણિક કારકીર્દિ “માસ્ટરી” મેં પસંદ કરી હતી. મારો મહેમાન મારા આયોજનના મૂળમાં જ કૂહાડો મારતો હોય તેમ કહી રહ્યો હતો કે “યે માસ્ટરી શીઘ્ર હી છૂટ જાયેગી ઔર ઉસકે બાદ આપ જહાં ભી ઔર જો ભી કામ કરોગે વો સરકાર યા રાજ સે જુડા હોગા. એક સમય આયેગા આપકે લેટરહેડ પે રાજચિહ્ન હોગા.”
થોડીક ક્ષણ રોકાઈ એણે આગળ ચલાવ્યું – “એકાદ સાલ કે અંદર આપકો પ્રથમ સંતાન કે રુપ મેં બેટા પ્રાપ્ત હોગા ઔર ઉસકે જનમ કે એક મહિને કે અંદર આપકી યે નોકરી છૂટ જાયેગી. કરીબ તીન સાલ કે સમય મેં આપકે વહાં દૂસરા સંતાન હોગા વો ભી બેટા હોગા. ઉસકે જનમ કે તીન મહિને મેં આપ યે શહર છોડ દેંગે.”
આ બીજો ફટકો હતો. વડોદરામાં સેટલ થવાનું અત્યંત બળીકું આકર્ષણ હતું. આ શહેરમાં ઉચ્ચ શિક્ષણની કારકીર્દી શરુ કરી ત્યારથી અહીંની હવામાં એક પોતીકાપણું લાગતુ હતું. લગભગ આખું શહેર એક કરતાં વધુ વખત પગે ચાલીને ફર્યો હતો. પંડ્યા હોટલથી પોલિટેકનીક હોસ્ટેલ સાત વરસ, બસ પકડવા કે બસમાંથી ઉતરીને રસ્તો કાપ્યો હતો. કમાટીબાગ હોય કે કારેલીબાગ સ્મૃતિમાં અદભૂત જડાઈ ગયાં હતાં. પોલિટેકનીકથી દાંડિયા બજારની એ રોજની કોલેજ જતાં આવતાં સાયકલ સવારી, યુનિવર્સીટીનો સ્વિમીંગપુલ, હંસા મહેતા લાયબ્રેરી અને લક્ષ્મી વિલાસના મેદાન પર રમાતી રણજી ટ્રોફીની મેચો, વાડી, પાણીગેટ, સૂરસાગર, અમદાવાદી પોળ, રાવપુરાથી સ્ટેશન સુધીનો વડોદરાનો એ રાજમાર્ગ, મહારાણી શાંતિદેવી, નવરંગ, શારદા, સપના અને અલંકાર જેવા ટોકીઝ (જે બધાં જ આજે તૂટી ગયા છે), ગાંધીનગર ગૃહમાં ભજવાતા નાટકો અને અમારું લગભગ રોજનું મિત્રો સાથે મળવાનું નિયમિત સરનામું પંચમુખી મહાદેવની પોળનું બસસ્ટેન્ડ, જગદીશની ભાખરવડી, વિષ્ણુરામનો ચેવડો, બૂમિયાનો શ્રીખંડ અને બાલુભાઈનાં ખમણ ક્યારેક ક્યારેક દાંડિયા બજારમાં મહાગુજરાત અથવા મહારાષ્ટ્ર ભોજનાલયની એ થાળી, સયાજીગંજ હેવમોરમાં ખૂણાના ટેબલ પર બેસી કોફી પીતા પીતા મિત્રો સાથે જમાવેલ મહેફિલ અને આખી રાત ધમધમતા સ્ટેશન ઉપર આવેલ જ્યુક બોક્ષના વિશેષ આકર્ષણવાળુ ગેલોર્ડ, મૈસુર કાફેના ઈડલી ઢોંસા અને દાંડિયા બજારના કેનેરા કાફેનું પુનામિસળ, રાવપુરાનું સેવઉસળ અને દુલીરામના પેંડા આ બધાંએ લાગણીના એવાં તાણાંવાણાં ગૂંથ્યા હતા કે વડોદરા છોડીને ક્યાંય જવાની વાત કોઈ કહે તો માથું વાઢ્યું હોય એવું લાગે. આ ભાઈ મારો હિતેચ્છુ હતો કે કોઈ ગયા જનમનો લેણદાર એ મને વડોદરા છોડાવી દેવાની ભવિષ્યવાણી કરી રહ્યો હતો !
ખેર ! આ ત્રણ ચાર વાતો કહી એણે વિદાય લીધી. એ ઉંમર નહોતી કે જ્યારે જોષ જોવડાવી મોટર, બંગલો કે હોદ્દો પ્રાપ્ત કરી લેવાની એષણા જાગે. આમ તો અમારા વડોદરામાં જ સાખર પેકર કરીને એક જ્યોતિષી હતા. માત્ર એક રુપિયામાં ભવિષ્ય જોઈ આપતા. પ્રતાપનગર વિસ્તારમાં રહેલ અમારા પ્રો. થટ્ટે સાહેબને એમનામાં શ્રદ્ધા. એકાદ વખત કુતૂહલ ખાતર હું પણ લટાર મારી આવેલો. માત્ર કુતૂહલ ખાતર જ. વડોદરામાં અમારા એક બે સહપ્રધ્યાપક મિત્રો સતિષ શાહ અને પ્રદ્યુમન દરજી જે વિસ્તારમાં રહેતા હતા તે લાલબાગ બાજુ થતી સોસાયટીઓમાં એક ટેનામેન્ટની સ્કીમના કાગળીયાં પણ લઈ આવ્યો હતો. વડોદરા મને હું જ્યાં ઉછરીને મોટો થયો તે સિદ્ધપુર જેટલું જ વ્હાલુ હતું. ફરક માત્ર એટલો હતો સિદ્ધપુરમાં મારે લાયક આજીવિકા નહોતી અહીં મળી ગઈ હતી અને તે પણ ત્રણેક વરસમાં પી.એચ.ડી. થઈ જવાની શક્યતા સાથે. આ વિચારોમાં ક્યારેક મોં પર સ્મિત આવી જતું કે આપણા નામની આગળ પણ ડોક્ટર લાગતું હશે. કારકીર્દીની દ્રષ્ટિએ યુનિવર્સીટીમાં ભણાવવું અને પ્રોફેસર બનવું અને વડોદરામાં રહી આરામની જીંદગી ગાળવી એ મારું આયોજન હતું. અત્યાર સુધી તો બધું એ મુજબ જ ચાલતુ હતું.
પોપટ ભૂખ્યો નતો.
પોપટ તરસ્યો નતો.
પોપટ સૂરસાગરની પાળ.
પોપટ કલાભવનની ડાળ.
પોપટ વડોદરામાં મજા કરે.
ઈજનેરી કોલેજની મારી નોકરી સરળતાથી ચાલી રહી હતી. આ નોકરી દરમ્યાન ટૂંક સમયમાં જ કેટલાંક નામો પરિચિતોના વર્તુળ ઉમેરાયાં. એમાં મુખ્ય હતા સમવયસ્ક એવા બિયાની, બિપીન તમાકુવાલા, દિનેશ જોષી, પ્રમોદ પંડિત, પ્રકાશ વ્યાસ. જ્યારે એક સમયના મારા શિક્ષકો એવા રમેશ શાહ, સતીષ શાહ, પ્રદ્યુમન દરજી, કિરીટભાઈ પટેલ, રશ્મિન પુરોહિત આ મિત્ર વર્તુળના દાયરામાં આવી ગયા. મારા પોસ્ટ ગ્રેજ્યુએટ વિદ્યાર્થી અને ગુજરાત સરકારના પૂર્વ મુખ્ય ઈજનેર કે.જી. મોરે પણ એમાં ભળ્યા. હરિષ ઉપાધ્યાય જેવા જુના મિત્રો તો હતા જ. આગળ ઉલાળ નહીં પાછળ ધરાળ નહીં એવી સ્થિતિ હતી. ફેકલ્ટી મેમ્બર્સ અને વિદ્યાર્થીઓમાં ટૂંક સમયમાં સારો એવો પ્રેમ અને થોડીક ધાક પણ પ્રાપ્ત થયાં હતાં. જીંદગી મસ્તીથી વહી રહી હતી.
આ મસ્તીથી વહી રહેલ જીંદગીમાં એક દિવસ એકાએક મોટો ભૂકંપ આવ્યો. સવારે આવ્યો ત્યારે જેનો કોઈ અણસાર પણ નહોતો એવી એક ઘટના બની. મેં નોકરીમાંથી રાજીનામું આપી દીધું !ફેકલ્ટી ઓફ ટેકનોલોજી એન્ડ એન્જિનિયરીંગની સાથેના મારા અંજળપાણી બરાબર ત્રીસ દિવસના આ નોટિસ પિરિયડ બાદ પૂરાં થવાનાં હતાં. જેણે જેણે જાણ્યું ચોંકી ગયા. અરે ! એમ તે કંઈ રાજીનામું આપી દેવાય છે. એકાદ બે મિત્રોએ સમજાવવાનો પણ પ્રયત્ન કર્યો પણ તીર છૂટી ગયું હતું.
કોઈ નોકરી હાથ પર નહોતી. ક્યાં જવું તે પણ નક્કી નહોતું. પણ “માસ્ટરી” છૂટી જવાની હતી. પેલો ભવિષ્યવેત્તા સાચો પડી રહ્યો હતો. મારા પ્રથમ સંતાન સમીરની ઉંમર હતી માત્ર અગિયાર દિવસ.
પ્રશ્ન થશે એવું તે શું બન્યું ?
જોઈએ હવે પછી...
 
                    













